શ્રી વીતરાગાય નમઃ

આત્મ નીરીક્ષણની અનૂઠી કળા

– દેવચંદ કે. શાહ 

ચાલતાં પરિણામોનાં અવલોકનમાં જ્યારે વર્તમાનમાં કોઈ અશુભભાવ દેખાય તો તેને રોકવાનો પ્રયત્ન શા માટે ન કરવો ? 

સમાધાન

૧) જે દોષ થયો છે તે એક સમયની ભૂલ છે.  બીજે સમયે તે આપોઆપ ટળી જ જાય છે તો તેને રોકવાનો પ્રશ્ન જ નથી.

૨) દરેક સમયે ફરી ભૂલ થાય છે એનું કારણ તો અવલોકન (જાગૃતિ) છૂટે છે તે છે. અવલોકન ચાલુ રહેશે તો ભૂલ નહીં થાય તેથી ભૂલને રોકવાનો પ્રયત્ન કરીને જો અવલોકન ચુકી જાય તો નવી ભૂલ થયા વિના નહીં રહે તો પછી શા માટે અવલોકન ચાલુ ન રાખવું ? શા માટે ભૂલને રોકવાની કોશિશ કરી નવી ભૂલ કરવી?

૩) અશુભભાવ જો આત્મા કરતો હોય તો સ્વભાવ દોષ કરનાર હોવાથી સ્વભાવને બદલી જ ન શકાય તેથી અશુભભાવ થતાં  જ રહે ને પોતાનો અશુભભાવ રોકવાનો પ્રયત્ન નિષ્ફળ જાય. પરંતુ વાસ્તવમાં આત્મા સ્વભાવથી પૂર્ણ નિર્દોષ શુભાશુભ ભાવોથી રહિત જ છે તેથી દોષને રોકવા કરતાં અવલોકન ચાલુ રાખવું જેથી જ્ઞાનબળ વધે અને નિર્મળતા - સૂક્ષ્મતાં વધતાં જ્ઞાનમાં  નિર્દોષ સ્વભાવ જણાય અને દોષ સ્વયંમેવ દૂર થાય.

૪) દોષ પણ પર્યાયમાં પર્યાયનાં ષટ્ર્કારકોથી સ્વતંત્રપણે ઉત્પન્ન થયો છે. દોષ જણાતાં દુઃખ ભલે થાય પણ તેને રોકી શકાય નહીં તેને રોકવાનો ઉપાય નિર્દોષ સ્વભાવ સન્મુખ થાવું તે જ છે.

૫) દોષને કાઢવાનાં ભાવ ધરાવનાર જીવ પોતાનાં આત્માને નિર્દોષ પવિત્ર માનતો નથી તેથી પોતાનો મહિમા એને આવતો નથી. જ્યાં પોતાનાં મૂળ સ્વાભાવનો મહિમા જ ન આવે તો પોતાનાં સ્વાભાવમાં દૃષ્ટી જઈને લીનતા ક્યાંથી થાય ?  લીનતા વિના આનંદ ક્યાંથી મળે ?

૬) દોષ કાઢવાવાળા જીવની નજર દ્રવ્ય ઉપર નથી પણ પર્યાય ઉપર છે. પર્યાય ઉપર નજર રહેવાથી અનાદિની ઊંધી પર્યાયબુધ્ધિ ચાલુ રહી દર્શનમોહ વધતો રહે છે.

૭) દોષ કાઢવાનાં ભાવમાં કર્તૃત્વભાવ છે.  જયાં કર્તાબુધ્ધિ છે ત્યાં જ્ઞાતાબુધ્ધિ રહેતી નથી.  જ્યાં જ્ઞાતાબુધ્ધિ ન હોય ત્યાં દુઃખ - આકૂળતા હોય જ. તેથી દોષ જણાતાં તે કાઢવાનો કૃત્રિમ જૂઠો ઉપાય કરવાને બદલે માત્ર અવલોકન (જ્ઞાતાબુધ્ધિનો અભ્યાસ) ચાલુ રાખવાથી સહેજે દુઃખથી મુક્ત થવાશે. જ્ઞાનપ્રકાશમાં દોષરરૂપી અંધકાર ન ટકી શકે એવો જ આત્મસ્વભાવ છે.

૮) જેમ અશુભભાવ  થતાં કર્મ  બંધાય છે તેમ અશુભભાવને રોકવાવાળો શુભભાવ થવાથી પણ કર્મ બંધાય છે. અશુભભાવથી માઠી ગતિ મળે છે. શુભભાવથી અનુકૂળતાવાળી સ્વર્ગાદિ ગતિ મળે  છે પણ આખરે તો ગતિ  (બંધન) જ  મળે છે ને ! ગતિરહિત ક્યાં થવાય છે ? મુક્તિ કેવી રીતે મળશે ? મુક્તિ તો ત્યારે જ મળે જ્યારે જ્ઞાતાભાવમાં રહેવાનો પુરૂષાર્થ કરતાં સહેજે શુભ કે અશુભભાવો ન થાય અને તેથી નવા કર્મો ન બંધાય - જુના કર્મો નિર્જરે અને પૂર્ણમુક્તિ થાય. 

ટૂંકમાં દોષનું અવલોકન તે જ્ઞાતાભાવે રહેવાનો પુરૂષાર્થ છે. તેમજ પોતાની વર્તમાન પામરદશાનું મૂલ્યાંકન છે. દોષનાં અવલોકનથી એમ માનવાનું નથી કે હું સ્વભાવે કરી દોષી છું, તેમજ દોષને કૃત્રિમતાથી કાઢવાનો ભાવ (દોષનું એકત્વપણું ) પણ રાખવાનો નથી.

૧૦૩

સત્પુરૂષનો યોગ તેમજ લાંબાસમયથી સત્સંગ પ્રાપ્ત હોવા છતાં જીવની મૂંઝવણ, ભવભ્રમણનો ડર, ચિંતા જાય નહિ ત્યારે જીવે ગંભીર અંતર અવલોકન કરી પોતાનાં પરિણામને તપાસવાં જોઈએ. સત્પુરૂષની સેવા - ભક્તિ - ઉપાસના (?)  કરી  સત્સંગને  આરાધ્યો  (?) પણ જ્ઞાનની આરાધના કરી કે નહિ ?  તે  પોતાનાં આત્માને પુછવું.  જ્ઞાનની  આરાધના અર્થાત્ અવલોકન (જાગ્રતિ) વિના માત્ર સત્સંગની - સત્પુરૂષની આરાધના થાય ત્યાં નિમિત્ત મુખ્ય અને ઉપાદાન ગૌણ થઇ દર્શનમોહ વધવાનાં પરિણામો વર્તે છે.  જ્યારે આવી ગંભીર ભૂલ વર્તે છે  ત્યારે સત્સંગ કેમ સફળ થાય? સત્પુરૂષનો યોગ પણ કેમ નિષ્ફળ ન જાય?

૧૦૮

શ્રીગુરૂએ  અવલોકન - ચાલતાં પરિણામોને જોવાનું તપાસવાનું કાર્ય સોંપ્યું. પરંતુ, અનાદિથી કર્તૃત્વભાવથી ટેવાયેલો જીવ યથાર્થ અવલોકન કરી શકતો નથી. અવલોકન ધારાવાહી ચાલતું નથી, તરત છૂટી જાય છે, અથવા વિચારમાં ચડી જવાય છે.  દોષ દેખાતા ગભરાટમાં આવી જઈ  કાં તો પશ્ચાતાપ થઇ જાય અને અવલોકન છૂટી જાય અથવા તો બીજીવાર દોષ નહિ કરવા માટે ભવિષ્યની યોજના ઘડતાં અવલોકન છૂટી જાય.  વિભાવભાવોની કર્તાબુધ્ધિથી ઘણી  મજુરી કરી છે. તેથી અવલોકન પ્રક્રિયા ચાલે તો કાઈં કર્યું એવું ન લાગે ; નવરાશ લાગે.  અવલોકનથી  મંજિલે પહોંચશે કે કેમ  એવી શંકાઓ ઉઠે સંતોષ ન થાય. અધીરાઈથી અવલોકન તૂટે. ‘ કરું, કરું ’ ની આદત - મોહ - અન્ય પદાર્થોની અપેક્ષા (કે ઉપેક્ષા ) અવલોકન ચાલવા ન દે. અવલોકનનું સોંપેલું કાર્ય તો કરે નહિ અને પૂછે કે હવે શું કરું?

અવલોકન - માત્ર - જોવું તે શું ક્રિયા નથી ? કેમ કૃત્ય કરવાની વૃત્તિઓ ઉઠે છે ? અવલોકનની પ્રક્રિયા હજી સમજાણી  નથી  તેથી  તેમ  થાય  છે.

૬૯

કષાયોનું કારણ દર્શનમોહ અને દર્શનમોહનું કારણ અજ્ઞાન છે. સત્સંગની આરાધના અને સત્પુરૂષની અજ્ઞાને શિરોધાર્ય કરી અવલોકન/ભેદજ્ઞાન  કળાથી અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં આવે તો કષાયોનું બીજ -  દર્શનમોહ - બળી જઈ સમકિતનાં પરિણામો ઉપજે અને મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય. 

અવલોકન વિના મુમુક્ષુદશા ન પ્રગટે, ભેદજ્ઞાન વિના જ્ઞાનદશા ન પ્રગટે, સ્થિરતા (જ્ઞાનદશા) વિના પરમાત્મદશા ન પ્રગટે.

૭૬

પોતાના પરિણામોનું  (ચાલતાં પરિણામોનું ) નિષ્પક્ષપાતપણે અવલોકન કરવું એટલે વિભાવભાવ જણાય એને માત્ર જોવાં - વિચાર ન કરવો. શુભભાવ આવે તો જોવું, ઠીક ન માનવું. ખેંચાવું નહિ કે ખેદાવું પણ નહિ, (તટસ્થ ) રહેવું.  પક્ષ વગરનાં થાવું. દૉષ જણાય તો એને કાઢવાની/હટાવવાની કોશિશ ન કરવી. શુભાશુભ પરિણામ તો થાશે. છતાં એને માત્ર જોવાનો પુરૂષાર્થ ચાલુ રાખવો. પરંતુ દોષ જલ્દી ટળે તે અર્થે ઉધામા ન કરવા - જલ્દબાજી ન કરવી - કારણ કે દોષ પર્યાયમાં છે અને પર્યાય પરિણમનશીલ છે.  કૂટસ્થ નથી. અવલોકન ચાલુ રાખવાનો પુરૂષાર્થ કરતાં દોષ સ્વયમેવ ટળી જાશે.

૭૭