ૐ
શ્રી વીતરાગાય નમઃ
વર્તમાન ક્ષણે પોતાનાં દોષોનું નિરીક્ષણ કરવું તે અવલોકન છે.
તેના બે ભાગ (પ્રકારો) છે − ત્રુટક અવલોકન અને ધારાવાહી અવલોકન.
૧) ત્રુટક અવલોકન : આને પ્રારંભિક અવલોકન પણ કહી શકાય. વર્તમાનમાં દોષોને જોવા જતાં જીવ વારે ઘડીયે વિચારમાં ચડી જાય અને અવલોકન તૂટે. ફરી પાછો જાગ્રત થઇ અવલોકન કરે અને પાછો વિચારે ચડતાં અવલોકન તૂટે. આમ જીવ વારંવાર જાગ્રત થવાનો પ્રયત્ન કરે પણ નિરંતર જાગ્રત રહી શક્તો નથી. ઘણી મૂંઝવણ - ઘભરાટ - ભવભ્રમણનો ભય - ચિંતા - વેદના ઉપજે. મુમુક્ષુદશામાં પ્રવેશ આવા અવલોકનથી થાય કેમ કે આ અવલોકનથી જીવ સહજમાં ભવભ્રમણની ચિંતના - વેદનામાં આવી આગળ ઉપર ઝૂરણાંમાં આવે. શુધ્ધ અંત:કરણવાળો જીવ ખુબ પરિશ્રમ કરી વારંવાર જાગૄતિમાં આવી આ અવલોકન દ્વારા મુમુક્ષુદશામાં પ્રવેશ કરી શકે. શુધ્ધ અંત:કરણ વિના જીવ આ અવલોકન સફળતાથી કરી શકતો નથી કારણ કે સંયોગોની અનુકૂળતા અને મોહ વડે તે જાગૄતિ વધારી શકતો નથી.
૨) ધરાવાહી અવલોકન : ત્રુટક અવલોકન સફળ થઇ ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાંમાં આવી જીવ માર્ગપ્રકાશક શ્રીગુરૂ કે સત્સંગ મળે અથવા ન મળે તોય કોઈપણ ભોગે સંસારથી છૂટી જવાનું અને પરીપૂર્ણ આત્મશાંતિનું ધ્યેય (પૂર્ણતાનું લક્ષ) બાંધે ત્યારબાદની જાગૄતિને ધારાવાહી અવલોકન કહેવામાં આવે છે. આ અવલોકનમાં ત્રુટક અવલોકનની જેમ દોષો ગોતવા મહેનત પડતી નથી કારણ કે દોષો આપો આપ જણાય છે. અવલોકન ધારાવાહી ચાલે છે તેમ જ્ઞાન પણ ધીરે ધીરે સ્થુળતામાંથી સૂક્ષ્મતા ધારણ કરે છે. આવા તબક્કે જીવનું ઉપાદાન જાગૃત હોવાથી કુદરત એને શ્રીગુરૂ સાથેનો સંપર્કં કરાવી દે છે. ત્યારે શ્રીગુરૂનાં વચનનો આશય ગ્રહણ કરીને તેમજ શ્રીગુરૂની અંતરપરિણતિની ઓળખાણ કરીને જીવ ભક્તિ-પરમેશ્વર બુધ્ધિ પૂર્વક પરાભક્તિમાં પ્રવેશી ભેદજ્ઞાનની શુભ શુરૂઆત કરી શકે છે. ધારાવાહી અવલોકન ભેદજ્ઞાન પૂર્વેનો તબક્કો છે. ત્રુટક અવલોકનથી જે ચીંતના - વેદના - ઝુરણાનો અનુભવ થયેલો તે (ધારાવાહી અવલોકન વડે ભેદજ્ઞાનનો તબક્કો શરૂ થતાંજ) ચિંતનાનો અભાવ થઇ મોક્ષનાં ભણકારા વાગે છે. ધારાવાહી અવલોકનનાં અંતે હવે જીવને મોક્ષની પણ ચિંતા નથી. તેથી જ તો ભેદજ્ઞાનની વીધિમાં પ્રવેશી શકે છે. આ અવલોકનમાં વિકલ્પમાત્રમાં અંતરથી થાક લાગે છે તેથી જીવ અંતરના પ્રયોગે/સ્વરૂપની શોધનાં પ્રયોગે ચડે છે.
આમ ત્રુટક અવલોકન વિના જીવ મુમુક્ષુ બની શકતો નથી તેમ ધારાવાહી અવલોકન વિના જીવ ભેદજ્ઞાનનાં અભાવે જ્ઞાની બની શકતો નથી.
ચાલતાં પરિણામોનાં અવલોકનથી દોષ જણાય ત્યારે દોષ ટાળવાનો કર્તૃત્વબુધ્ધિથી ઉદ્યમ કરવામાં આવે તો …………
૧) અવલોકનની ધારા તૂટે.
૨) દોષ પર્યાયમાં એક સમયનો હોવા છતાં દોષ મારામાં (વસ્તુમાં) થયો એમ ઊંધી માન્યતા વધારે દ્રઢ થાય.
૩) કૃત્રિમ ખોટાં પ્રયત્નથી વીધિની ભૂલ થતાં દર્શનમોહ વધવા લાગે.
૪) જ્ઞાન નિર્મળ થવાને બદલે આવરણયુક્ત વિવેકશૂન્ય થાય.
૫) કૃત્રિમ પ્રયાસ સફળ ન થતાં - દોષોનો નાશ ન થતાં - હેતુ પાર ન પડતા - વધારે આકુળતા ઉપજે.
માટે દોષ કાઢવાને બદલે દોષોને સમ્યક્ પ્રકારે અવલોકવા એજ એકમાત્ર ઉપાય છે. દોષો પર્યાયમાં છે. અને એક પણ પર્યાયને આઘી પાછી કરી શકાતી નથી એવો જ વસ્તુસ્વભાવ છે. દોષ પણ એનાં ષટકારકથી એ કાળે સ્વયં ઉભો થયો છે. આમ યથાર્થ સમજી દોષ/પર્યાય ઉપરથી નજર હટાવી ત્રિકાળ જ્ઞાયકસ્વભાવ।, જ્ઞાન સામાન્ય-ઉપર નજર ટકાવવી એ જ દોષથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
અવલોકન સફળ ન થવામાં જીવનાં ચાર મોટા પ્રતિબંધો છે :
૧) સમાજ પ્રતિબંધ ૨) કુટુંબ પ્રતિબંધ ૩) શરીર પ્રતિબંધ ૪) સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. જ્યાં સુધી આ પ્રતિબંધો અત્યંત મંદપણાને ન પામે ત્યાં સુધી જીવ છૂટવા ધારે તો પણ છૂટી શકતો નથી કારણ કે જીવ મોહની પટ્ટીવશ જ્ઞાનની નિર્મળતા ખોઈ બેઠો છે. તેથી જ અવલોકન શરૂ થાતું નથી. મોહથી જ્ઞાનની શક્તિ પણ હણાયેલી (અવરોધિત) છે. આવા જીવે સર્વાર્પણ બુધ્ધિથી સત્સંગની ઉપાસના કર્યા વિના બીજો કોઈ છૂટકો નથી.
કર્તૃત્વ - મમત્વ અને એકત્વને કારણે જીવ નિરંતર પરસન્મુખ થઇ રાગદ્વેષનાં પરિણામો કરતો રહે છે અને ફળમાં ચારેય ગતિમાં અનંત કાળથી ભટકે છે. અવલોકન - ભેદજ્ઞાન - સ્વાનુભવ વિના આ પરિભ્રમણ મટી શકે એમ નથી.
સામાન્ય મુમુક્ષુ - ભવભ્રમણની ચિંતનાવાળો.
મધ્યમ મુમુક્ષુ - પુર્ણતાનું ધ્યેય બાંધનારો.
ઉત્તમ મુમુક્ષુ - શ્રી સદ્દગૂરૂની અંતર પરિણતિ ઓળખનારો.